Department of Gujarati

Page Title

Home / Department of Gujarati

ગુજરાતી વિભાગ વિશે

ગુજરાતી ભાષા-સાહિત્યનો અભ્યાસ શા માટે ?

ગુજરાતી ભાષા અને સાહિત્યનો અભ્યાસ શા માટે કરવો જોઈએ એવો સ્વાભાવિક પ્રશ્ન ઘણાના મનમાં થતો હશે. ત્યારે કહેવાનું મન થાય કે આજના ટેકનોલોજીના યુગમાં ધીમે ધીમે માણસ સંવેદનહીન થતો જાય છે. યંત્રો સાથે પનારો પાડતો માણસ પોતે યંત્ર જેવો બનતો જાય છે. આજે યંત્રો સાથે માનવીય સંવેદના પણ એટલી જ જરૂરી છે. ગુજરાતી ભાષા અને સાહિત્ય માણસને માણસ બનાવવાનું કામ કરે છે. ભાષા અને સાહિત્યનો અભ્યાસ આપણને શીખવાડે છે કે –

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જયારે જ્યાં મળે બધાના વિચાર દે
- મરીઝ

સાહિત્ય આપણને આપણા પોતાના ઉપરાંત બીજાનો વિચાર કરવા પણ પ્રેરે છે. નરસિંહ, મીરાંબાઈ, પ્રેમાનંદ, દયારામ, નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણભાઈ નીલકંઠ, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ જેવા અનેક સર્જકોનું સર્જન આપણને એક સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિ તરીકેનું ઘડતર કરવામાં મદદ કરે છે. સાથે સાથે સાહિત્ય સ્વની ઓળખ પણ કરાવે છે. એનાથી વિશેષ શિક્ષણનો શું હેતુ હોઈ શકે ?

ગુજરાતી ભાષા સાહિત્યમાં સ્નાતક થયા પછી કારકિર્દી માટેની શક્યતાઓ :

ગુજરાતી ભાષામાં સ્નાતક થયા પછી અનેક વિકલ્પો ખૂલી જાય છે. ગુજરાતી ભાષામાં સ્નાતક થયેલ યુવાન પાસે કારકિર્દી માટેના અનેક દ્વાર ખૂલી જાય છે. જો ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગુણવત્તાયુક્ત અભ્યાસ કર્યો હશે એના માટે કારકિર્દી ઘડતર સરળ બની જશે. જો કે એ આપણને ખબર જ છે કે ગુજરાતી ભાષા સાહિત્યનો અભ્યાસ એ કોઈ વ્યવસાયલક્ષી અભ્યાસ નથી, છતાં એવું પણ નથી કે ગુજરાતી ભાષા સાહિત્યનો અભ્યાસ કરવાથી નોકરીના કોઈ વિકલ્પ જ નથી. જુઓ અહીં થોડા વિકલ્પો તમારી સામે મૂકું છું.

૧. ઉદઘોષક તરીકે વ્યવસાયની પસંદગી

જો તમે ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ કરી શકો છો અને ભાષા ઉપર તમારી સારી એવી પકડ છે તો તમે ઉદઘોષક તરીકે તમારી કારકિર્દી ઘડી શકો છો. આજે મોટા શહેરોમાં આવા ઉદઘોષક તરીકેનો ટ્રેન્ડ વધ્યો છે. સામાજિક, વ્યવસાયિક, રાજકીય, સાહિત્યિક જેવા અનેક કાર્યક્રમોમાં ઉદઘોષક તરીકે કાર્ય કરી શકાય.

૨. સમાચાર વાચક તરીકે કારકિર્દી :

સમાચાર વાચક પાસે ભાષા શુદ્ધિની અપેક્ષા વિશેષ રાખવામાં આવે છે. એટલે જો તમે અભ્યાસની સાથે સાથે ભાષા શુદ્ધિ અને એમાં પણ ખાસ કરીને ઉચ્ચારણ શુદ્ધતા તરફ તમે વધુ સજાગ હોઉં તો ટેલીવિઝન ઉપર સમાચાર વાચક તરીકે કારકિર્દી પસંદ કરી શકો છો. આજે ધીમે ધીમે નાના શહેરોમાં પણ યુ ટ્યુબમાં નાની નાની સમાચાર સંસ્થાઓ ખુલી છે ત્યારે આ ક્ષેત્રે કારકિર્દી સફળતાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

૩. નાટક અને સિનેમાક્ષેત્રે તક :

ગુજરાતી ભાષામાં સ્નાતક થયા પછી નાટક, ટેલીવિઝન સીરીઅલ, સિનેમા વગેરે ક્ષેત્રે પણ તમે તમારી કારકિર્દી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં અનેક નાટકનો વ્યવસાય ખૂબ ફેલાયેલો છે. સારા કલાકારોની હંમેશા કદર થાય છે. તમારા માટે આ ક્ષેત્ર એક નવો રસ્તો કરી આપશે.

૪. પ્રૂફરીડર તરીકે :

ગુજરાતી ભાષા અને વ્યાકરણનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલ હોય તો પ્રૂફરીડર તરીકે વ્યવસાય સ્વીકારી શકાય. આજે નવા પુસ્તકો પ્રકાશિત થતા હોય, છાપાઓ છપાતા હોય, પીએચ.ડી.ના થીસિસ પ્રકાશિત થતા હોય એમાં પ્રૂફ કરવું જરૂરી હોય છે. આજે સારા પ્રૂફરીડરની અછત જોવા મળે છે. જો તમે ગુજરાતી ભાષામાં રહેલી ભૂલોને સુધારી શકતા હોઉં તો પ્રૂફરીડર તરીકે વ્યવસાય પસંદ કરીને તમે સારા પૈસા કમાઈ શકો છો.

૫. અનુવાદક તરીકે કારકિર્દી :

જો તમે ગુજરાતી ભાષા અને બીજી કોઈ એક ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હોઉં તો અનુવાદક તરીકે કારકિર્દી પસંદ કરી શકો છો. આજે જયારે વિશ્વ એક બનતું જાય છે ત્યારે એક ભાષામાંથી બીજી ભાષામાં કૃતિને અનુવાદ કરવી ઘણી જરૂરી બની જાય છે. એટલે આજે ગુજરાતી ભાષામાંથી અન્ય ભાષામાં કૃતિનો અનુવાદ કરી શકો છો કે અન્ય ભાષામાંથી તમે ગુજરાતી ભાષામાં એ કૃતિને લાવી શકો છો. આ માટે અનુવાદકને આર્થિક રીતે મદદ થતી હોય છે.

૬. સંશોધનને વ્યવસાય બનાવો :

આજે સંશોધનનું મહત્ત્વ ધીમે ધીમે ખૂબ વધતું જાય છે. આવા સંશોધનોને અનેક સંસ્થાઓ આર્થિક મદદ કરે છે. યુ.જી.સી. થી માંડીને અનેક સંસ્થાઓ સંશોધનને મહત્ત્વ આપે છે, એટલું જ નહિ પણ સંશોધન માટે આર્થિક મદદ પણ કરે છે. આજના યુગમાં સંશોધન ક્ષેત્રે પૈસા અને પ્રતિષ્ઠા બંને મળે છે.

૭. હસ્તપ્રતવિદ્યા ક્ષેત્રે તક :

આજે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અનેક હસ્તપ્રતો ઉકેલ્યા વિનાની પડી છે. એટલે આજે જેને આપને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ એટલું જ મધ્યકાલીન સાહિત્ય નથી, પણ હસ્તપ્રતમાં ઘણું સાહિત્ય હજી ગુજરાતીમાં લઇ આવવાનું બાકી છે. હસ્તપ્રત વિદ્યા શીખી હસ્તપ્રતમાં સચવાયેલી કૃતિને ગુજરાતીમાં ઉતારવા અનેક માણસોની જરૂર હોય છે. કારકિર્દી ક્ષેત્રે આ ફિલ્ડમાં ઘણી તક રહેલી છે.

૮. પત્રકારત્વ :

આજે સૌથી વધુ તક પત્રકારત્વ ક્ષેત્રે રહેલી છે. કોઈપણ વિષયમાં સ્નાતક થયેલ વિદ્યાર્થી પત્રકારત્વનો અભ્યાસક્રમ પસંદ કરીને કારકિર્દી પસંદ કરી શકે છે. અન્ય વિષયના વિદ્યાર્થીઓ કરતા ભાષાના વિદ્યાર્થીઓ આ ક્ષેત્રે પોતાનું સ્થાન સરળતાથી નિશ્ચિત કરી શકે છે. પત્રકારત્વનું ક્ષેત્ર ખૂબ સાહસિક છે.

૯. કોમ્પ્યુટર અને ટાઈપીંગ ક્ષેત્રે તક :

ગુજરાતી વિષયનું પુરતું જ્ઞાન હશે તો કોમ્પ્યુટર અને ટાઈપીંગ એમના માટે સરળ રહેશે. આજે પુસ્તક, મેગેઝીન, છાપાથી માંડીને અનેક વિષયના લખાણો ટાઇપ માટે આવતા હોય છે. તમે ગુજરાતી ભાષાના જ્ઞાન સાથે આ કામ કરશો તો ગ્રાહકોને વધુ સંતોષકારક સેવા આપી શકશો અને પગભર થઇ શકશો. ૧૦. શૈક્ષણિક ક્ષેત્રે અનેક તક :

ઉચ્ચ અભ્યાસ કરીને આ ક્ષેત્રે નોકરીની અનેક તક તમારી રાહ જોઇને બેઠી છે. સ્નાતક થયા પછી બી.એડ. કરીને સરકારી, અર્ધસરકારી અને પ્રાઇવેટ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી શકાય છે. આ ઉપરાંત એમ.એ. અને પીએચ.ડી. કરી સરકારી અને અર્ધસરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે પણ નોકરી મેળવી શકાય છે. નોકરી મેળવવા માટે આ ક્ષેત્ર ખૂબ વિશાળ છે.

૧૧. વહીવટી ક્ષેત્રે અનેક તક :

સ્નાતક થયા પછી વહીવટી ક્ષેત્રે અનેક જગ્યાઓ ઉપર ભરતી થાય છે. ખાસ કરીને તમે જી.પી.એસ.સી. દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ ની અનેક જગ્યાઓ ઉપર તમે તમારી દાવેદારી નોંધાવી શકો છે. એટલું જ નહિ તમે ગુજરાતી ભાષા સાહિત્યમાં સ્નાતક થયા પછી યુ.પી.એસ.સી.ની પરીક્ષા પણ આપી શકો છે અને તમે IPS અને IAS બની શકો છો. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે ગુજરાતમાંથી જેટલા યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરે છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષય પસંદ કર્યો હોય છે. આ ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અનેક સ્પર્ધાઓમાં ગુજરાતી વ્યાકરણના અનેક પ્રશ્નો પૂછાતા હોવાથી ગુજરાતી વિષય સાથે સ્નાતક થવાથી આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની શક્યતાઓ વધી જાય છે.

૧૨ . સર્જન ક્ષેત્રે કારકિર્દીની અનેક શક્યતાઓ :

ગુજરાતી ભાષામાં તમે સર્જન કરીને એક સર્જક તરીકે કારકિર્દી ઘડી શકો છો. ગુજરાતના અનેક છાપાઓમાં નવલકથા, નવલિકા, નિબંધ લખીને અનેક સર્જકો સર્જક તરીકે જ પોતાની કારકિર્દી ઘડે છે. માત્ર છાપાઓ જ નહિ, પણ ઉત્તમ સર્જન કરી તમે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા કે સાહિત્યના કોઈપણ સ્વરૂપ ઉપર પ્રભુત્વ મેળવીને ઉત્તમ સર્જન દ્વારા સાહિત્યની સેવા પણ કરી શકાય અને કારકિર્દી પણ ઘડી શકાય.

Course Syllabus