Department of Psychology

Page Title

Home / Department of Psychology

About Department of Psychology

સરકારી વિનયન કોલેજ રાણાવાવમાં કોલેજની સ્થાપના સમયથી જ મનોવિજ્ઞાન વિભાગ કાર્યરત છે. 2012થી મનોવિજ્ઞાન વિષય ગૌણ વિષય તરીકે શીખવવામાં આવે છે. 2021થી સ્નાતક કક્ષાએ મનોવિજ્ઞાન વિષયને મુખ્ય વિષય તરીકે શીખવવામાં આવી રહ્યો આવ્યો છે. પ્રવર્તમાન સમયની માંગને અનુરૂપ માનવજીવનની જટિલતા તથા માનવવર્તનને સમજવા માટે મનોવિજ્ઞાન વિષયની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. જયારે દિવસેને દિવસે મનોવિજ્ઞાન વિષયની માંગ વધી રહી છે ત્યારે પોરબંદર જિલ્લાની એકમાત્ર કોલેજ સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે જ સ્નાતક કક્ષાએ મનોવિજ્ઞાન વિષય શીખવવામાં આવે છે. અગાઉ રાણાવાવ અને તેની આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન વિષયનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે જૂનાગઢ કે રાજકોટ વગેરે જેવા શહેરોમાં જવું પડતું હતું. સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે મનોવિજ્ઞાન વિભાગની શરૂઆત સમગ્ર પોરબંદર જિલ્લાના અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી, સહજતાથી, વ્યાજબી ફી સાથે, પોસાય તેવું ગુણવત્તાયુક્ત અને સુવિધાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ઊભી થઈ છે. નજીકના ભવિષ્યમાં અદ્યતન સુવિધા ધરાવતી મનોવિજ્ઞાન લેબોરેટરી શરૂ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં મનોવિજ્ઞાન વિષય અંગેના ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવામાં મદદ મળી શકશે. મનોવિજ્ઞાન વિભાગમાં અનુભવી અને કાયમી નિમણુક પામેલ અધ્યાપકો દ્વારા પદ્ધતિસરનું, વ્યવસ્થિત અને ટેકનોલોજી આધારિત શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. વર્ગખંડની ચાર દીવાલોને ઓળંગીને બાહ્ય સામાજિક અને વાસ્તવિક જગત સાથે જોડીને શિક્ષણ કાર્યને અર્થપૂર્ણ અને સાર્થક બનાવવામાં આવે છે. મનોવિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક કાર્ય, સંશોધન કાર્ય, પ્રોજેક્ટ્સ વગેરે દ્વારા વિદ્યાર્થીઓને સહભાગી બનાવી ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સ્વવિકાસ, પ્રગતિ અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ મનોવિજ્ઞાન વિભાગના મુખ્ય ધ્યેયો છે.

મનોવિજ્ઞાનમાં અભ્યાસક્રમો અને આકર્ષક કારકિર્દીના વિકલ્પો

•પૂર્વભૂમિકા:
આજના આધુનિક યુગમાં કારકિર્દી કે વ્યવસાય પસંદગીનું મહત્ત્વ દિનપ્રતિદિન વધી રહ્યું છે. સામાન્ય રીતે વ્યક્તિ કાલ્પનિક ઇચ્છાઓ, અધૂરું જ્ઞાન, માતા-પિતા કે વડીલોના દબાણને વશ થઈને કારકિર્દી અંગે નિર્ણયો લેતા હોય છે. આજકાલ લોકોમાં એક ભ્રમ ફેલાયેલો જોવા મળે છે કે વિનયન પ્રવાહમાં કારકિર્દીના વિકલ્પો ખૂબ જ ઓછા છે. હકીકતે વિનયન પ્રવાહમાં અનેક આકર્ષક અને અસરકારક તકો રહેલી છે. વિનયન પ્રવાહમાં મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અંગ્રેજી વગેરે જેવા વિષયોની ઘણી બોલબાલા જોવા મળે છે. પરંતુ માહિતીના અભાવમાં આ ક્ષેત્રની ઉજ્જવળ કારકિર્દીથી યુવાનો વંચિત રહી જાય છે. જેઓ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની તેજસ્વી કારકિર્દી બનાવવા ઇચ્છે છે તેઓ માટે પ્રગતિના દ્વાર ખુલ્લા છે. તો ચાલો... કોની રાહ જૂઓ છો? તમારા માટે એક નવા અને પ્રવર્તમાન સમયની માંગને અનુરૂપ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવતા કેટલાક કારકિર્દી વિકલ્પોની ચર્ચા કરીએ.

•મનોવિજ્ઞાનમાં કારકિર્દી શા માટે?

મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. માનવવર્તનને સમજવા માટે મનોવિજ્ઞાનનો ઉદ્દભવ થયો છે. આધુનિક સમયમાં માનવવર્તન અને વર્તનની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવિજ્ઞાનની માંગ વધી રહી છે. ખાસ કરીને 21મી સદી જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની સદી બની રહેવાની છે. આજનું આધુનિક જગત અને માનવજાતિ જ્યારે અનેકવિધ સમસ્યાઓ જેવી કે પૂર્વગ્રહો, યુદ્ધ, આતંકવાદ, ઘરેલુ હિંસા, સંબંધોમાં વિખવાદ, ભાષા, કોમ, પ્રાંત, બાળકોની સમસ્યાઓ, લગ્નજીવનની સમસ્યાઓ, વિદ્યાર્થીઓની સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ વગેરેથી ઘેરાયેલા છે અને ત્રસ્ત છે ત્યારે આ બધી સમસ્યાઓના નિવારણ માટે મનોવિજ્ઞાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકશે તેમાં કોઈ શંકા નથી.

ખાસ કરીને 20મી સદીની શરૂઆતમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણનો વિકાસ થયો. જેના કારણે યંત્રોની બોલબાલા ખૂબ જ વધી અને માનવવિકાસની ગતિ પણ વધી. પરંતુ તેની સાથે સાથે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ વ્યાપક બન્યા. તેનું પરિણામ એ આવ્યું કે માનવજીવનમાં મનોભાર, ચિંતા, હતાશા, સંઘર્ષ, વિખવાદો, સંબંધોમાં તિરાડ, કૌટુંબિક ઝઘડાઓ વગેરેનું પ્રમાણ પણ વધવા માંડ્યું. આજના આધુનિક યુગની નરી વાસ્તવિક્તા એ છે કે માનવી માનવ સમૂહની વચ્ચે રહેતો હોવા છતાં પણ એકલતાનો અનુભવ કરે છે. તેમની પાસે તમામ પ્રકારની ભૌતિક સુખ-સગવડતાઓ અને સમૃદ્ધિ હોવા છતાં તેનો આનંદ અને સંતોષ મેળવવામાં નિષ્ફળ જાય છે. આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને યોગ્ય રીતે સમજીને, તેમની આંતરિક બાબતોને ઓળખીને યોગ્ય દિશા આપવી જરૂરી બની જાય છે. જેથી વ્યક્તિ આંતરિક શાંતિ, આનંદ અને સમૃદ્ધિનો અહેસાસ કરી શકે. જેના માટે મનોવિજ્ઞાન એક એવું ક્ષેત્ર છે કે જેમાં એક આશાનું કિરણ દેખાય છે. માનવીને વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તથા સમૃદ્ધિ તરફ લઈ જવામાં મનોવિજ્ઞાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તૈયાર છે. આમ, માનવજાતિના યોગ્ય વિકાસ માટે મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરનાર વ્યક્તિઓની તાતી જરૂરિયાત છે. તો હવે આપણે મનોવિજ્ઞાનમાં ઉપલબ્ધ કારકિર્દીના કેટલાક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોની ચર્ચા કરીશું.

•મનોવિજ્ઞાનમાં આકર્ષક કારકિર્દીની તકો:

સામાન્ય રીતે વિનયન પ્રવાહ (આર્ટસ)માં કારકિર્દીના વિકલ્પો પ્રમાણમાં ખૂબ જ ઓછા હોય છે એવી એક ગેરમાન્યતા પ્રવર્તી રહી છે. હકીકતમાં વિનયન પ્રવાહમાં વાણિજ્ય પ્રવાહ કરતાં પણ વધુ અને લગભગ વિજ્ઞાન પ્રવાહ જેટલા કે તેનાથી પણ વધુ વિષયોની વિવિધતા જોવા મળે છે. વળી મહદ્અંશે લોકો વિનયન પ્રવાહમાં બિન-આકર્ષક કારકિર્દી હોવાનું માને છે, પરંતુ હકીકતમાં આર્ટસમાં ઘણી આકર્ષક કારકિર્દીની તકો રહેલી છે. આ પ્રવાહમાં વિવિધ વિષયો પૈકી સાયકોલોજી (મનોવિજ્ઞાન), ઇકોનોમિક્સ (અર્થશાસ્ત્ર), તેમજ અંગ્રેજી વિષયોમાં ઘણી આકર્ષક કારકિર્દીની તકો રહેલી છે. મનોવિજ્ઞાન સાથે સ્નાતક એ વ્યાવસાયિક અભ્યાસક્રમ નથી. પરંતુ આ અભ્યાસક્રમથી વ્યક્તિના વિકાસ અને પ્રગતિની નવી દિશાઓ ખૂલી જાય છે. અભ્યાસક્રમમાં રહેલી વિવિધતા અને તેમાં શીખવવામાં આવતી વિવિધ કુશળતા, આવડતો, ક્ષમતાઓ વિદ્યાર્થીઓને ભવિષ્યની ઉજ્જવળ વ્યાવસાયિક તકો માટે પાત્ર બનાવે છે. મનોવિજ્ઞાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે.

મનોવિજ્ઞાનના કેટલાક પ્રણાલિકાગત ક્ષેત્રો અને કેટલાક નવા આધુનિક ક્ષેત્રોમાં દિન પ્રતિદિન કારકિર્દી વિકાસ માટેના નવા દ્વારો ખુલ્લી રહ્યા છે. અત્યાધુનિક યુગમાં આવા ક્ષેત્રોનું મહત્ત્વ પણ વધવા લાગ્યું છે. વિદ્યાર્થીઓએ આવા ક્ષેત્રોમાં રસ લઈને તેમની ઉજજવળ કારકિર્દી બનાવવાની અમૂલ્ય તક રહેલી છે. આવા આધુનિક ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણનું મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે. આથી અહીં આપણે સાયકોલોજી (મનોવિજ્ઞાન)ના ક્ષેત્રમાં રહેલી કારકિર્દીની કેટલીક ઉત્તમ અને ઉજ્જવળ તકોની વાત કરીશું...... •મનોવિજ્ઞાનમાં ઉજ્જવળ કારકિર્દી માટેના મહત્ત્વના ક્ષેત્રો:

મનોવિજ્ઞાનમાં ઉજ્જવળ કારકિર્દી માટેના કેટલાક મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો નીચે મુજબ છે.

1.નિદાનાત્મક / ચિકિત્સા મનોવિજ્ઞાન (Clinical Psychology):

નિદાનાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દી વિકસાવવાની ઘણી સારી તકો રહેલી છે. ચિકિત્સા કે નિદાનાત્મક મનોવિજ્ઞાનમાં એમ.એ., એમ.ફિલ. કરીને નિષ્ણાત તરીકે કાર્ય કરી શકાય છે. માનસિક નિષ્ણાતોની સેવા લેવામાં આવે છે. તેઓ સૌમ્ય મનોવિકૃતિઓ અને ગંભીર સામાજિક તથા આવેગિક સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ બને છે.

2.બાળ મનોવિજ્ઞાન (Child Psychology):

આદર્શ માતા-પિતા બનાવવા માટે ફકત પેરેન્ટીંગના પુસ્તકો જ નહીં, બાળ મનોવિજ્ઞાનના જાણકાર મનોવૈજ્ઞાનિકો પાસેથી સલાહ અને માર્ગદર્શન માટે લોકોની લાઈનો લાગી રહી છે. આધુનિક સમયમાં પોતાના બાળકના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ, યોગ્ય બાળઉછેર, બાળશિક્ષણ માટે માતા-પિતા જાગૃત બન્યા છે. બાળમાનસને સમજવા તથા તેનો અભ્યાસ કરવા માટે વિવિધ અભ્યાસ પદ્ધતિઓનો ઉપયોગ કરી ઉંડાણપૂર્વક જાણકારી મેળવવામાં આવે છે. આજના આધુનિક શિક્ષણમાં પણ બાળકને કેન્દ્રમાં રાખી વિવિધ શિક્ષણ તરેહો વિકસાવવામાં આવી રહી છે. તેના પરિણામ સ્વરૂપે મનોવિજ્ઞાન દ્વારા પોતાની એક આગવી અને વિશિષ્ટ એવી 'બાળ મનોવિજ્ઞાન' નામની શાખા વિકસાવી છે. જેમાં બાળવિકાસ અને પરિપક્વતાની ભિન્ન ભિન્ન ભૂમિકાઓ, વિકાસના વ્યક્તિગત માળખા ઉપર વાતાવરણની અસર તેમજ બાળક તથા સમાજ વચ્ચેની મનોવૈજ્ઞાનિક અને સામાજિક આંતરક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે. આથી આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકોની માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે.

3.સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન (Health Psychology):

સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણીને મહત્ત્વ આપે છે. હેલ્થ ઈસ્યુએ ફકત શારીરિક કે તબીબી સમસ્યાઓ જ નથી, પરંતુ આવેગિક (ઈમોશનલ) સમસ્યાઓ પણ છે. કારણ કે દર્દી શારીરિક રીતે બીમાર હોવાની સાથે સાથે ધીમે ધીમે માનસિક રીતે પણ બીમાર પડતો જાય છે. આ ક્ષેત્રમાં વ્યસનો, કુટેવો, ખોટા આહારવિહાર વગેરેથી સ્વાસ્થ્યને થતાં નુકસાન ઉપરાંત સુયોગ્ય જીવનશૈલી અપનાવવાથી થતાં વિવિધ ફાયદાઓ અંગે લોકોને જાગૃત કરવાનું કાર્ય કરવામાં આવે છે. આથી આ ક્ષેત્રમાં અયોગ્ય જીવનશૈલીના લીધે થતાં નુકસાનને અટકાવવું અને યોગ્ય જીવનશૈલી અપનાવવી, શરીર અને મનની તંદુરસ્તી સાથે કેવી રીતે જીવન જીવવું વગેરે જેવી બાબતો અંગે માર્ગદર્શન અને સંશોધન કાર્ય સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે.

4.સમાજલક્ષી મનોવિજ્ઞાન (Social Psychology):

સમાજલક્ષી મનોવિજ્ઞાનનું મહત્ત્વનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્દભવતા માનવવર્તનને સમજવાનું છે. સામાજિકીકરણની પ્રક્રિયા, કુટુંબ, જૂથ, સમૂહ, ટોળું, મનોવલણ, પૂર્વગ્રહો, લોકમત, ફેશન, પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોને ધ્યાને રાખીને માનવવર્તનને સમજવા માટે સમાજલક્ષી મનોવિજ્ઞાન ઉપયોગી બને છે. સમાજલક્ષી મનોવિજ્ઞાનના પેટા વિભાગોમાં પ્રચારનું મનોવિજ્ઞાન, ટોળાનું મનોવિજ્ઞાન, ફેશનનું મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.
સમાજલક્ષી મનોવિજ્ઞાનના નિષ્ણાતો સામાન્ય રીતે વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ વગેરે જેવા પરિબળોની અસરો તપાસતા હોય છે. આજે સમાજ મનોવૈજ્ઞાનિકોની પૂર્વગ્રહો ઘટાડવા, લોકમત કેળવવો કે બદલવો, પ્રચાર, ફેશન, રાજકારણ વગેરે જેવા ક્ષેત્રોમાં ભરપૂર મદદ લેવામાં આવે છે. ખાસ કરીને ફિલ્મ અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ વગેરે પોતાની સારી છાપ ઊભી કરવા માટે કે છાપ બદલવા માટે સમાજ મનોવૈજ્ઞાનિકોની સેવાનો લાભ લે છે.

5.રમત-ગમતનું મનોવિજ્ઞાન (Sport Psychology):

મનોવિજ્ઞાનનું આ એક આધુનિક ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટોની સંખ્યા ખૂબ જ ઓછી છે. જ્યારે રમત-ગમતના ખેલાડીઓ દ્વારા મનોવૈજ્ઞાનિકોનું કાઉન્સેલીંગ લેવાનું ચલણ વધી રહ્યું છે, તે જોતાં વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક છે. રમત-ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ઇચ્છુકોથી શરૂ કરીને નામાંકિત ખેલાડીઓ પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવા તેમજ વધારવા માટે સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટની મદદ લેતા હોય છે.
રમત-ગમતના ખેલાડીને આવતો ગુસ્સો, જુસ્સો નકારાત્મક રીતે બહાર આવવાને બદલે હકારાત્મક રીતે બહાર આવે તે ખૂબ જરૂરી છે. જુદા જુદા સમયે અને સંજોગોમાં રમત-ગમતના ખેલાડીઓની લાગણીને યોગ્ય દિશા આપવાનું કાર્ય સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ કરે છે. રમતમાં વિજય પ્રાપ્ત કરવા કે નવા કીર્તિમાન સ્થાપિત કરવા શારીરિક ચુસ્તતાની સાથે માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણી તથા તૈયારી ખૂબ જ અગત્યના છે. જેના માટે રમત મનોવૈજ્ઞાનિકોની ખૂબ જ જરૂરિયાત રહે છે. આથી આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક રહેલી છે.

6.પર્યાવરણનું મનોવિજ્ઞાન (Environment Psychology):

પર્યાવરણનું મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણની વ્યક્તિના વર્તન પર થતી અસરોનો અભ્યાસ કરે છે. આજના આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ થવાથી અવકાશ ક્ષેત્રના સંશોધનો, અણુશક્તિની આડઅસરો, જંગલોનો વિનાશ, પ્રદૂષણ, વસ્તી વધારો, વસ્તીની ગીચતા, ગરીબી, બેકારી, ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવી સમસ્યાઓને પહોંચી વળવા તથા તેના સંભવિત ઉકેલો મેળવવા માટે પર્યાવરણના મનોવિજ્ઞાનનું મહત્ત્વ વધી રહ્યું છે. લોકમાનસ બદલવા તથા પર્યાવરણ જાગૃતિ માટે આ ક્ષેત્રના નિષ્ણાતો સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો વગેરે સાથે કાર્ય કરી શકે છે.

7.ગુનાશોધનનું મનોવિજ્ઞાન (Forensic Psychology):

સમગ્ર વિશ્વમાં આવી રહેલા પરિવર્તનોને લીધે ગુનાઓ અને અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે. ગુનેગારો ટેક્નોલોજીનો ઉપયોગ કરી હાઈટેક બન્યા છે. આવા સમયે ગુનાઓને ઉકેલવાનું કાર્ય પડકારજનક બન્યું છે. ગુનાશોધનના મનોવિજ્ઞાનમાં ગુનાઓ પાછળના કારણો, સંજોગો, પરિસ્થિતિઓ વગેરેને આધારે ગુનેગારોને પકડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આથી આ ક્ષેત્રમાં મનોવિજ્ઞાનના જાણકાર વ્યક્તિઓની માંગ વધી રહી છે. આપણા ગુજરાતમાં ગાંધીનગર ખાતે ભારતની સૌપ્રથમ ‘ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી' સ્થાપવામાં આવી છે. આ ક્ષેત્રમાં નિષ્ણાત વ્યક્તિને વિવિધ સરકારી ગુનાશોધન વિભાગ, ખાનગી સંસ્થાઓમાં નોકરી તથા પોતાના વ્યવસાય તરીકે વિકસાવવાની પણ ઉત્કૃષ્ટ તક રહેલી છે.

8.અધ્યાપન ક્ષેત્ર કે શિક્ષણનું ક્ષેત્ર (Teaching and Education Field):

આજના આધુનિક સ્પર્ધાત્મક યુગમાં ધોરણ 11 થી શરૂ કરીને Ph.D. સુધીના વિવિધ અભ્યાસોના ક્ષેત્રોમાં 'સાયકોલોજી' વિષયના સારા અધ્યાપક શિક્ષકની હંમેશા માંગ રહે છે. ફક્ત વિનયન (આર્ટ્સ) પ્રવાહમાં જ નહીં પરંતુ વિજ્ઞાન, મેડિકલ, એંજિનિયરિંગ, જાહેરસેવા વગેરે જેવા અભ્યાસક્રમોમાં પણ સાઇકોલોજી વિષયને ફરજિયાત ભણાવવામાં આવે છે. આથી અધ્યાપન કે શિક્ષણના ક્ષેત્રમાં મનોવિજ્ઞાનમાં કારકિર્દી બનાવવાની ભરપૂર તકો રહેલી છે.
9.તાલીમ અને માર્ગદર્શન (Training and Guidance):

આજે સાયકોલોજીની તાલીમ આપવા માટે સામાન્ય NGO થી શરૂ કરીને કોર્પોરેટ સેક્ટર સુધીના તમામ સ્તરે ટ્રેનરો સાયકોલોજીનો અભ્યાસ કરતા જ હોય છે. વ્યાવસાયિક માર્ગદર્શનનું ક્ષેત્ર આજે ખૂબ જ વિકસી રહ્યું છે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો પ્રમાણમાં ઓછા હોવાથી કામ મળવાની સંભાવના વધુ રહે છે. વિવિધ અભિયોગ્યતા કસોટીઓનો ઉપયોગ કરીને મનોવૈજ્ઞાનિકો વ્યક્તિમાં કેવા પ્રકારના વ્યવસાયની અભિયોગ્યતા રહેલી છે તેની જાણકારી આપી વ્યવસાય પસંદગીમાં મદદરૂપ બને છે. યોગ્ય વ્યવસાય માટે જરૂરી તાલીમ વર્ગોનું પણ આયોજન કરે છે. આથી આ ક્ષેત્રમાં જરૂરી તાલીમ અને માર્ગદર્શન આપી શકે તેવા મનોવૈજ્ઞાનિકોની માંગ દિન-પ્રતિદિન વધતી જાય છે.

10.સંશોધન / મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન (Research / Psychometric):

આજે જુદા-જુદા અનેક વિષયોમાં M.Phil./Ph.D. જેવા અભયાસો કરવા માટે વિવિધ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે. નાની એવી સમસ્યાના ક્રિયાત્મક સંશોધનથી (એક્શન રિસર્ચ) શરૂ કરીને આધુનિક સ્તરના સંશોધન સુધી મનોવિજ્ઞાનની ભરપૂર પ્રમાણમાં મદદ લેવામાં આવે છે. આ ક્ષેત્રમાં માનવીના વર્તનના જુદાં જુદાં પાસાંઓનું માપન કરવામાં આવે છે. જેમ કે બુદ્ધિ, અભિયોગ્યતા, સિદ્ધિ, પ્રેરણા, વ્યક્તિત્વ, અભિરુચિ, પૂર્વગ્રહો, મનોવલણ વગેરે. આ ક્ષેત્રમાં મનોવૈજ્ઞાનિકો માનવવર્તનના વિવિધ પાસાંઓને જાણવા અને માપવા માટે કસોટીની રચના, કસોટી પ્રમાણિકરણ, ગુણાંકન, અર્થઘટન વગેરેનું કાર્ય કરે છે. જેમાં મનોવિજ્ઞાનના અભ્યાસુ વ્યક્તિઓની તાતી જરૂરિયાત પ્રવર્તી રહી છે.

11.સલાહ મનોવિજ્ઞાન (Counseling Psychology):

આજના આધુનિક યુગમાં માનવજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. માનવી રોજિંદી ભાગદોડ અને જીવનશૈલીમાં આવી રહેલા પરિવર્તનોને લીધે સમસ્યાઓનો ભોગ બની રહ્યો છે. આથી મનોવૈજ્ઞાનિક સલાહકાર (સાયકોલોજીકલ કાઉન્સિલર)ને ત્યાં સ્ટૂડન્ટથી સેલીબ્રીટી સુધીના તમામ સ્તરના લોકોની ભીડ રહેતી હોય છે. આજકાલ પ્રિ-મેરેજ કાઉન્સેલીંગનો ટ્રેન્ડ દિવસે દિવસે વધી રહ્યો છે. બીજી બાજુ સંબંધોમાં તણાવ, બાળકોની સમસ્યાઓ, કોરોનાકાળમાં માનસિક સ્વાસ્થ્ય, વ્યવસાય પસંદગીથી લઈને વ્યાવસાયિક સંબંધો, સામાજિક સંબંધો વગેરેને લગતી સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આવા સમયે સારા કાઉન્સિલર તેમના ક્લાઈન્ટ માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહેતા હોય છે. સલાહ મનોવૈજ્ઞાનિકો માનસિક રીતે તંદુરસ્ત યુવા વર્ગનું નિર્માણ કરવામાં પાયાની ભૂમિકા ભજવી શકે છે. આથી પ્રવર્તમાન સમયમાં સલાહ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો રહેલી છે.

12.સૈન્ય મનોવિજ્ઞાન (Military Psychology):

આમ તો મનોવિજ્ઞાનની આ શાખાનો ઉદ્દભવ પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી જ થયો છે. હકીકતે આ મનોવિજ્ઞાનની એક વિશિષ્ટ શાખા છે. લશ્કરમાં વિભિન્ન પ્રકારના સૈનિકો અને અધિકારીઓની પસંદગી, તાલીમ, બઢતી, બદલી વગેરેમાં મનોવૈજ્ઞાનિકોનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે. સૈનિકોની બુદ્ધિ, વર્તન, નેતૃત્વ, મનોબળ, માનવીય સંબંધો વગેરેના માપન તથા સુધારણમાં મનોવૈજ્ઞાનિકોની માંગ રહે છે.

13.આઈ.ટી. ક્ષેત્રમાં રોજગારી (Employment in the IT field):
IIM જેવી વિશ્વ પ્રસિદ્ધ સંસ્થાઓ પણ પોતાના બિહેવીયર ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ અંગે M.A. સાથે સાયકોલોજીના ફેશ વિદ્યાર્થીઓને સારા વેતન (પગાર) સાથે નોકરી આપે છે.

14.મનોવિજ્ઞાનની અન્ય શાખાઓમાં કારકિર્દી વિકસાવવાની તકો
(Opportunities to Develop Careers in other Branches of Psychology):

મનોવિજ્ઞાનની ઉપરોક્ત શાખાઓ ઉપરાંત મનોવિજ્ઞાનની અન્ય પણ કેટલીક મહત્ત્વપૂર્ણ શાખાઓ છે. જેમાં વ્યક્તિ પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે છે. જેમ કે...અસાધારણ મનોવિજ્ઞાન કે મનોરોગશાસ્ત્ર, પ્રાયોગિક મનોવિજ્ઞાન, જાહેરાતનું મનોવિજ્ઞાન, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન કે માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, જીવનફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન, ઔદ્યોગિક મનોવિજ્ઞાન, બોધાત્મક મનોવિજ્ઞાન, તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાન, આંતર-સાંસ્કૃતિક મનોવિજ્ઞાન, કાનૂન/કાયદાનું મનોવિજ્ઞાન, અપરાધનું મનોવિજ્ઞાન, રાજનીતિનું મનોવિજ્ઞાન, જનસમુદાયનું મનોવિજ્ઞાન, સ્ત્રી મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, સામાજિક મીડિયાનું મનોવિજ્ઞાન, ગ્રાહક અને ઉપભોકતાનું મનોવિજ્ઞાન, પ્રત્યાયનનું મનોવિજ્ઞાન, લગ્નજીવનનું મનોવિજ્ઞાન, સમાયોજનનું મનોવિજ્ઞાન વગેરે...

15.અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ કારકિર્દીની તકો:

મનોવૈજ્ઞાનિક, વહીવટી ક્ષેત્રે, કોમ્યુનીટી વર્કર, સલાહકાર, માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો, મનોરોગ નિદાન કેન્દ્રો, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગ, કેદી કલ્યાણ, વિકલાંગ કલ્યાણ, બાળ સુરક્ષા, મહિલા અને બાળ કલ્યાણ વગેરે વિભાગોમાં તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચતર પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તેમજ સરકારી અને બિન સરકારી ક્ષેત્રની વિવિધ યોજનાઓ / પ્રોજેકટ તથા રાજય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ સંશોધન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ પર ઉત્તમ કારકિર્દી પસંદ કરી, સમાજની ઉત્તમ સેવા કરી શકાય છે.

•મનોવિજ્ઞાનના વિવિધ અભ્યાસક્રમો:

B.A., B.Sc., M.A., M.Sc., M. Phil., B.Ed., Special B.Ed., Ph.D., M.S.W., PGDMH, PGDPSC, PGDCFT, PGCIPCO, DCP, PDCP, PGDAP, PGCP, PGDSP, PGDRP, PGDCP, DCCP, DCEC, DCP, DAP, DBS, DCN, DFP.. etc…

•ઉપસંહાર (Conclusion):

મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા પછી પણ કારકિર્દીના અનેક વિકલ્પો ખૂલે છે. જો તમે તમારી આંતરિક અને બાહ્ય દુનિયાને ઉજાગર કરવાની ઇચ્છા ધરાવો છો, તો તમારા માટે મનોવિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્તમ અને ઉમદા છે. જેમાં તમે તમારી કારકિર્દીને વિકસાવી શકો છો અને તમારા જીવનને યોગ્ય આકાર આપી શકો છો. તો રાહ કોની જૂઓ છો? આગળ વધો અને મનોવિજ્ઞાને તમારા રસ-અભિરુચિનું ક્ષેત્ર બનાવો તથા ઉત્તમ અને ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરો..…..... Best of Luck.........

Course Syllabus